AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખોટની ખેતી ને બદલી નફામાં, આ છે એક સાહસિક ખેડૂત ની કહાની !
શ્રેષ્ઠ ભારતધ બેટર ઇન્ડિયા
ખોટની ખેતી ને બદલી નફામાં, આ છે એક સાહસિક ખેડૂત ની કહાની !
👨‍🌾 શું તમે જાણો છો કે વિદેશમાં વેચાતા મોટાભાગના ઓર્ગેનિક અનાજ અને મસાલા ‘મેડ ઇન ઇન્ડિયા’ હોય છે? આ તમામ ઉત્પાદનો લોકોના ઘર સુધી પહોંચતા પહેલા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. પરંતુ જરા વિચારો, જો આ ઓર્ગેનિક ઉત્પાદનો ખેતરમાંથી સીધા આપણા ઘર સુધી પહોંચે તો કેટલું સારું? આ માત્ર ગ્રાહકો માટે જ સારું નહીં રહે, પરંતુ ખેડૂતો પણ તેનાથી સારો નફો મેળવી શકશે. 👨‍🌾 ઓલપાડ તાલુકાના ખેડૂત મહેશ પટેલ છેલ્લા 26 વર્ષથી પોતાના પાકમાં વેલ્યૂ એડિશન કરીને વિસ્તારના અનેક ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. આટલું જ નહીં, આજે તે પોતાના ફાર્મમાંથી 22 પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો સીધા વેચી રહ્યા છે. તેઓ ગુજરાતના અનેક કૃષિ કેન્દ્રોમાં ખેડૂતોને તાલીમ પણ આપી રહ્યા છે. પરંપરાગત પદ્ધતિઓથી હટીને નવા પ્રયોગો શરૂ કર્યા : 👨‍🌾 ખેડૂત પરિવાર સાથે જોડાયેલા મહેશભાઈએ જ્યારે તેમના પિતાને ટેકો આપવાનું નક્કી કર્યું ત્યારે તે કેમિકલનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. તે દરમિયાન તેમની પાસે માત્ર સાત વીઘા જમીન હતી. તો, તેમને પોતાનો પાક વેચવા માટે બજારમાં જવું પડતુ હતુ અને નફો નહિવત હતો. પણ ક્યારેક નાની ઘટના પણ મોટો ફરક પાડી શકે છે. મહેશભાઈ સાથે પણ એવું જ થયું. 👨‍🌾 મહેશભાઈ કહે છે, “એક દિવસ મારા ખેતરમાં ભીંડાના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ખેતરમાં જતાં મને અજીબ તકલીફ થવા લાગી. ત્યારે મને સમજાયું કે આ પ્રકારની ખેતી આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં, જમીન માટે પણ હાનિકારક છે.” તેમણે વર્ષ 1995થી ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું અને તેમના ગામના પ્રથમ ઓર્ગેનિક ખેડૂત બન્યા. સંપૂર્ણપણે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરવા માટે, તેમણે તેમના ફાર્મમાં ચાર ગાયો પણ રાખી છે. ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ જંતુનાશકો અને ખાતર વગેરે બનાવવામાં કરવામાં આવે છે. વેલ્યૂ એડિશનથી બદલાયુ ખેતીનું ચિત્ર : 👨‍🌾 જ્યારે તે પહેલીવાર બજારમાં કાચી હળદર વેચવા ગયા ત્યારે તેમને બિયારણ વગેરેના ખર્ચના પૈસા પણ ન મળ્યા, નફો તો દૂરની વાત છે. ત્યાર બાદ તેઓ આણંદ (ગુજરાત) માં રહેતા તેના મિત્ર પાસેથી હળદરનો પાવડર બનાવતા શીખ્યા અને આજે તે હળદર પાવડરમાંથી સારો એવો નફો કમાઈ રહ્યા છે. 👨‍🌾 હાલમાં એક વીઘામાંથી 50 હજાર રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. હાલમાં તેઓ તેમના 7 વીઘા ખેતરમાં હળદરની ખેતી કરે છે. તે કહે છે, “અમે 20 કિલો કાચી હળદરમાંથી ત્રણ કિલો પાવડર બનાવીએ છીએ, જે અમે લગભગ કિલોદીઠ 300 રૂપિયાના ભાવે વેચીએ છીએ. તો, અમને કાચી હળદરના એક કિલોના 20 રૂપિયા પણ મળી શકતા ન હતા.” 🎋 શેરડીમાંથી ઓર્ગેનિક ગોળ બનાવવાનું કામ પણ કરવામાં આવે છે. બીજી તરફ, કાચા જામફળ અને જ્યુસ એમ બંને રીતે વેચાય છે. મહેશભાઈ કહે છે, “ગયા વર્ષે અમે 500 કિલો હળદર પાવડર વિદેશમાં મોકલ્યો હતો. સુરત અને તેની આસપાસ રહેતા ઘણા NRI અમારી પાસેથી ઓર્ગેનિક ઉત્પાદનો લે છે.” 🎋 કૃષિ ક્ષેત્રના તેમના પ્રયોગોને કારણે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. વર્ષ 2011માં તેમને પ્રથમ વખત જિલ્લાના સૌથી પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે તે જ વર્ષે તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ધરતીપુત્રનો એવોર્ડ પણ મળ્યો છે. સંદર્ભ : ધ બેટર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
7