AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધમાખી પાલનમાં રાખવાની કાળજી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મધમાખી પાલનમાં રાખવાની કાળજી
ગુજરાત, મહારાષ્ટ્રા, રાજસ્થાન, હરિયાણા અને બીજા કેટલાક રાજ્યોમાં ખેડૂતો ખેતીની સાથે મધમાખી પાલનનો વ્યવસાય જોડે જોડે કરતા થયા છે. મધમાખીની વિવિધ જાતો પૈકી સાતપૂડિયુ અને ઇટાલીયન મધમાખીને ઉછેર કરવી વધુ અનુકૂળ રહે છે. સાતપૂડિયા મધનો વ્યાપારિક ધોરણે ઉછેર કરી વર્ષે એક પેટીમાંથી ૧૫ થી ૩૦ કિ.ગ્રા.મધ મેળવી શકાય છે. જ્યારે ઇટાલીયન મધમાખી સાતપૂડિયાં મધમાખી કરતા મોટી અને સ્વભાવે નમ્ર હોય છે. આ ઇટાલીયન મધમાખીનો વ્યવસાય તરીકે ઉછેર કરી વર્ષે એક પેટીમાંથી સરેરાશ ૩૦ કિ.ગ્રા. અને વધુમાં વધું ૭૦ કિ.ગ્રા. મધ મેળવી શકાય છે. મોટેભાગે આ ઇટાલીયન મધમાખીનો મધપાલન ઉછેરમાં વ્યાપારી ધોરણે થાય છે. મધમાખી પાલનથી મધ તો મળે છે પણ સાથે સાથે પાકોમાં પરાગનયનની ક્રિયા કરતી હોવાથી પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થાય છે. ખેડૂતો આ વ્યવસાયને અપનાવી પૂરક આવક મેળવી શકે છે. મધમાખી પાલનમાં રાખાવાની કાળજી:  પરાગરજ અને મધુરસ વર્ષ દરમ્યાન સતત મળી રહે તે રીતે પાકોનું આયોજન કરવું અને તેવા પાકોનું સતત વાવેતર કરતા રહેવું.  જે પાકોમાં મધમાખી વધુ મૂલાકાત લેતી હોય તેમાં દવાઓનો છંટકાવ ટાળવો.  સારી ગુણવત્તાવાળા લાકડામાંથી બનાવેલ મધમાખીની પેટીઓ લેવી. પેટીનો ઉપયોગ કરતા પહેલાં ફોર્માલ્ડીહાઇડના દ્રાવણથી બરાબર સાફ કરવી. પેટીઓ ઠંડકવાળી સાફ-સુથરી જગ્યાએ લાકડાના સ્ટેન્ડ ઉપર ગોઠવવી. સ્ટેન્ડ નીચે પાણી ભરેલ વાડકી મૂકવી કે જેથી કીડી-મકોડા અંદર જાય નહીં. પેટીની સાફસફાઇ દરરોજ સવારે અવશ્ય કરવી.  પેટીની જગ્યા વારંવાર બદલવી નહીં. જો જરુર પડે તો રાત્રી દરમ્યાન જ જગ્યા બદલવી.  પેટીમાં મરેલ મધમાખી જોવા મળે તો કયા કારણોથી મરી છે તે જાણવું અને યોગ્ય પગલાં લેવાં.  પેટીના નીચેના માળે મધમાખીની રાણી રહેતી હોવાથી તે ઉપરના માળે જઇ ન શકે તે માટે વચ્ચે જાળી મૂકવી.  પેટીઓની આજુબાજુ સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
 ખેતરમાં પૂરતા પાકો ન હોય ત્યારે ખાંડની ચાસણી મૂકીને મધમાખીને ખોરાક પૂરો પાડવો.  મધમાખીઓને સીધો ઠંડો પવન ન લાગે તે માટે આજુબાજુ પવન અવરોધક પાકો ઉગાડવા.  મધપેટીમાંથી રાણી કામદારો સાથે જતી ન રહે તે માટે તેની એક પાંખ કાપી નાંખવી.  ચોમાસામાં વરસાદ સીધે સીધો મધપેટી ઉપર ન પડે તેવી વ્યવસ્થા કરવી.  વધારે ઠંડી હોય તો રાત્રે પેટી ઉપર કંતાન ઢાંકવું અને સવારે લઇ લેવું.  ઉનાળામાં પેટી ઉપર સીધો તાપ ન પડે તે પ્રમાણે વૃક્ષના છાંડામાં ગોઠવવી. શક્ય હોય તો જમીનમાં પિયત આપી ઠંડક થાય તેવી વ્યવસ્થા ગોઠવવી.  જે મધપેટીમાં રોગ લાગેલ હોય તેને અલગ તારવી રોગ નિયંત્રણના પગલાં લેવા.  કથીરી બાહ્ય પરજીવી તરીકે જીવન વિતાવી મધમાખીને નુકસાન પહોંચાડે છે. આ કથીરીના નિયંત્રણ માટે સલ્ફર પાવડરનો છંટકાવ કરવો.  બીજા કેટલાક મધમાખીના દુશ્મનો જેવા કે કીડી, મંકોડા, કાચિંડા, ગરોળી, શકરોબાજ, કાળીયોકોશી, અમૂક જાતની ભમરીઓ, ભૂતિયું ફૂદું, મીણના ફૂદાંની ઇયળો વિગેરે નુકસાન કરે છે. આ માટે યોગ્ય પગલાં સમયસર ભરવા.  મધમાખીને કેટલાક રોગો જેવા કે ફાઉલ બ્રુડ, નોશીમા, સેપ્ટીસેમીયા વિગેરે. જરુરી કાળજી અને પગલાં લેવાથી આ રોગોથી મધમાખીને બચાવી શકાય છે. નોંધ: શુધ્ધ મધ જામી જવાનો ગુણધર્મ ધરાવે છે જે ગરમ પાણી અથવા સૂર્યપ્ર્કશમાં મુકવાથી મૂળ સ્થિતીમાં ફેરવાઇ જાય છે. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
61
2