કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
ઈથેનોલનું ઉત્પાદન વધારવા સરકાર પ્રોત્સાહન આપશે
"દેશભરનાં ખાંડનાં કારખાનાંઓને પગભર કરવા, નુકસાનીના બોજમાંથી બહાર લાવવા અને શેરડીની ખેતી કરતા ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ખાંડ મિલોને તેમની ક્ષમતાના 85 ટકા સુધીનું ઇથેનોલ બનાવવાની ભલામણ કરી છે.' દેશમાં ખાંડનું ઉત્પાદન કરતી મિલોને તેમની પડતર વધારવા માટે બી-હેવી મોલાસીસ, શેરડીના રસ તથા સુગર સિરપમાંથી પેટ્રોલમાં ભેળવીને બળતણમાં વાપરી શકાય તેવું ઇથેનોલ બનાવવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત, ઇથેનોલના ઉત્પાદન માટે દરેક રાજ્યોને ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે. જે મિલો પાસે ડિસ્ટીલેશન સુવિધા હોય તેમને તેમની ક્ષમતાના 85 ટકા સુધી ઈથેનોલ બનાવવા, તેમજ જે મિલો પાસે આ સુવિધા ન હોય તેવી મિલોને બી-હેવી મોલાસીસ બનાવીને ડિસ્ટીલીંગ ક્ષમતા ધરાવતી મિલો સાથે જોડાણ કરીને તેમને ઇથેનોલ બનાવવા માટે આ મોલાસીસ સપ્લાય કરવાનું જણાવાયું છે. દરેક રાજ્ય સરકારોને મોલાસીસ તથા ઇથેનોલનું પરિવહન સરળતાથી થઇ શકે તેવી વ્યવસ્થા કરવાનું પણ કહેવાયું છે.' કેન્દ્રિય જાહેર વિતરણ વિભાગના સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે હાલમાં વૈશ્વિક સ્તરે ખાંડનું બજાર એટલું અનિયમિત છે કે ભારતની શુગર ફેક્ટરીઓને આત્મનિર્ભર કરવા માટે ઇકોનોમી અને બજારની માગના આધારે ખાંડ તથા ઇથેનોલનું ઉત્પાદન કરવાની આવશ્યકતા છે. તેમણે ખાંડની મિલોને બાયો-ઐનર્જી હબ બનાવવાની તથા જરૂર પડ્યે વિશેષ ગુણવત્તાવાળી સાકરનું ઉત્પાદન કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. બળતણમાં ઇથેનોલનો વપરાશ વધારવાથી ગ્રીન એનજીનો વપરાશ વધવાના કારણે પર્યાવરણને લાભ થશે. ઉપરાંત ક્રૂડતેલની આયાત ઘટાડીને વિદેશી હુંડિયામણની પણ બચત કરી શકાશે.' ખાંડનાં કારખાનાંને ઇથેનોલ બનાવવા માટે સક્ષમ કરવા માટે ટેકનિકલ સહયોગ માટે વિવિધ બેંકો તરફથી લોનની સુવિધા મળે તે માટે સરકાર આયોજન કરી રહી છે. હાલમાં આશરે 600 કરોડ લિટરની ઇથેનોલની ઉત્પાદન ક્ષમતાવાળા કુલ 362 કારખાનાંને તેમની ક્ષમતા વધારવા માટે 18,600 કરોડ રૂપિયાની સોફટ લોનની વ્યવસ્થા સરકાર કરાવી રહી છે. આગામી પાંચ વર્ષ માટે આ કારખાનાઓની લોન ઉપરનું વ્યાજ સરકાર ભોગવે તેવી વ્યવસ્થા કરવા માટે 4045 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 64 પ્રોજેક્ટની લોન મંજૂર પણ કરી દેવાઇ છે. આગામી બે વર્ષમાં આ કારખાનાની ઇથેનોલ બનાવવાની ક્ષમતા 165 કરોડ લિટરની થશે. વર્ષ 2022ના અંત સુધીમાં દેશની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા 590 કરોડ લિટરની કરવાનું લક્ષ્યાંક છે. હાલમાં ભારત સરકાર વધારાની શેરડીનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં કરીને ખાંડની મિલોની ઉત્પાદકતા અને બેલેન્શીટ સુધારવાના પ્રયાસ કરી રહી છે."
સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
13
6
અન્ય લેખો