AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સક્કરટેટી અને તરબૂચની જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સક્કરટેટી અને તરબૂચની જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો.
આ ઋતુમાં ઘણા ખેડૂતોએ સક્કરટેટી અને તરબૂચની ખેતી કરેલ છે. આ પાકમાં ફળમાખીએ એક મુખ્ય જીવાત છે. આ ઉપરાંત પાનકોરિયુનો પણ ઉપદ્રવ જોવા મળે છે. ચાલો આ જીવાતોને ઓળખીએ અને તેમના થકી થતુ નુકસાનને અટકાવીએ. ૧. ફળમાખી: આ જીવાતની માદા માખી ફૂલ અવસ્થામાં ફળ હોય ત્યારથી શરૂઆત કરીને મોટા ફળોની છાલમાં પોતાનાં ઈંડાં મૂકતી હોય છે. ઈંડાંમાંથી નીકળતો કીડો પીળાશ પડતો સફેદ રંગનો તથા માથા વિનાનો હોય છે. જે ફળનો ગર્ભ ખાય છે. જો ફળ ફૂલ અવસ્થામાં હોય તો તે વખતે આવા માદા ફૂલ ખરી પડે છે. જો મોટા ફળમાં નુકસાન થાય તો આવા ફળોમાં કોહવારો શરૂ થાય છે અને છેવટે આવા ફળો ખરી પડે છે. માખી જ્યાં જ્યાં ઈંડાં મૂકે તે જગ્યાએથી ફળમાંથી રસ ઝરવાનું શરૂ થાય છે. જે જામી જતા બદામી રંગના ગુંદર જેવું દેખાય છે. જેને “ટુવા” તરીકે ઓળખવામાં આવે છે. આના કારણે ફળની ગુણવત્તા બગડે છે. આ જીવાત ગરમ વાતાવરણમાં સક્રિય થાય છે જ્યારે શિયાળાની ઋતુમાં નિષ્કીય થઈ જાય છે. સંકલિત વ્યવસ્થાપન - • ફળમાખીથી અસર પામેલા અને “ટુવા” પડેલાં ફળો નિયમિત રીતે વીણીને જમીનમાં ૧.૫ થી ૨ ફૂટ ઉંડે ખાડો કરી તેની પર જંતુનાશક પાવડર નાખી દાટી દેવા. • વાડીની ચોખ્ખાઈ રાખવી અને પાક લઈ લીધા બાદ જમીનમાં ઊંડી ખેડ કરવી જેથી કોશેટાનો નાશ થાય. • પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે ૪૫૦ ગ્રામ ગોળનું ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેને ૨૪ કલાક મૂકી રાખવું. ત્યારબાદ તેમાં ડાયકલોરોવોસ ૭૬ ઇસી ૫ મિ.લિ. મિશ્ર કરી ફૂલ આવવાની શરૂઆત થાય એટલે દર અઠવાડીએ એક વાર મોટા ફુવારાથી વેલા પર પડે તેમ છાંટવી. • ફળમાખીના નરને આકર્ષીને મારી નાખવા માટે સક્કરટેટી તેમજ તડબૂચમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે “લ્યુર” યુક્ત “ફળમાખી પિંજર” હેક્ટરે ૧૦ થી ૧૫ની સંખ્યામાં પાકથી આશરે ૧ મીટર જેટલી ઉંચાઈએ લટકાવવાથી બેક્ટોસેરા ક્યુકરબીટી નામની ફળમાખીનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
૨. પાનકોરીયુ: ઈંડાંમાંથી નીકળેલ ઈયળ પાનના બે પડ વચ્ચે રહીને સર્પાકારે લીલો ભાગ કોરી ખાય છે. જેથી પાંદડા પર સર્પાકાર લીટા દેખાય છે અને છોડનો વિકાસ અટકે છે. વધુ ઉપદ્રવમાં પાન સૂકાઈ જાય છે. સ્પીનોસાડ ૪૫% એસસી ૩ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦% ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦% ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ૩. લાલ અને કાળાં મરીયાં: ઈંડાંમાંથી નીકળતો કીડો જમીનમાં રહીને છોડના મૂળ તથા થડને નુકસાન કરે છે તથા જમીનને અડેલા ફળોને પણ કોરી ખાય છે. જ્યારે પુખ્ત કીટકો બીજપત્ર તથા ફૂલ ખાઈને નુકસાન કરે છે, જેથી વેલાની વૃધ્ધિ નબળી પડે છે. કોઈકવાર પુખ્ત કીટક પાનને પણ ગોળાકારે કોરી ખાતુ જોવા મળે છે. સંકલિત વ્યવસ્થાપન - • પાક પુરો થયા બાદ જમીનમાં ઉંડી ખેડ કરવી. • ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી (૨૫ કિ.ગ્રા./હે) છોડ પર તેમજ જમીન પર પડે તે રીતે છાંટવી. • ડાયકલોરોવોસ ૭૬% ઇસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી વેલા પર છંટકાવ કરવો તેમજ છોડના થડની ફરતે મૂળ સુધી પહોંચે તે રીતે જમીનમાં રેડવી. ૪. પટ્ટાવાળા કાંસિયા (બ્લીસ્ટર બીટલ): કાંસિયા ફૂલની પરાગરજ તથા પાંખડીઓ ખાઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી (૨૫ કિ.ગ્રા./હે)નો છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ પાકમાં મોલો, તડતડિયા, સફેદમાખી અને પાનકથીરીનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
305
5
અન્ય લેખો