સફળતાની વાર્તાઝી ન્યુઝ
શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં ખેડૂતો, ખેડૂતને થયો ફાયદો !
રાજ્યભર માં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર દ્વારા દરેક પગલે ખેડૂતને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના રતનકૂવા ગામના પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક ખેડૂત જસુભાઈ રામાભાઈ પટેલ તેઓ નિવૃત્તિ બાદ બાગાયતી ખેતી માં વિવિધ પ્રયોગશીલ ખેતી કરી રહયાં છે. જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્યો ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. સરકારના નાયબ બાગાયત નિયામકની કચેરી મહીસાગરનો સંપર્ક કરી બાગાયત શાકભાજી ખેતી માટે માર્ગદર્શન મેળવી તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. અગાઉની જૂની પરંપરાગત ખેતીમાં ખેતી ખર્ચના વધારા સાથે ઉત્પાદન પણ ઓછુ મળતું હતું. તેમને બાગાયત વિભાગમાંથી પ્રેરણા અને તાલીમ મેળવી બાગાયત વિભાગની વિવિધ જાણકારી મેળવી વૈજ્ઞાનિક પધ્ધતિથી શાકભાજીની ખેતી કરવાની પ્રેરણાં મળી. જસુભાઈ રામાભાઈ પટેલ કહે છે કે શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી વધુ આવક મેળવી શકાય છે, મે અગાઉ તડબૂચ,ફ્લાવર, કોબીજ, ટામેટા, કારેલાં વગરે ફળ શાકભાજીની ખેતી કરી તેમા મને સારું ઉત્પાદન અને સારી આવક મળી પોતાની જમીનમાં બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી આધુનિક ખેત પધ્ધતિ અપનાવી વિવિધ શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છું. હાલમાં કોળાની ખેતી પણ કરેલ છે. નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે તડબૂચ, ફ્લાવરની ખેતી માટે મલ્ચીંગ, હાઇબ્રીડ બીયારણ અને અર્ધ કાચો મંડપ બનાવવાની વિવિધ યોજનાઓની ૫૦ ટકા થી ૬૫ ટકા સુધીની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી. શાકભાજી પાકમાં ટપક-સિંચાઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી જસુભાઈ પટેલ હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે તેમણે ૩ વિઘા જમીનમાં દૂધી કારેલા શાકભાજીનું વાવેતર કરેલ જેમા થી દૂધીમાં અત્યાર સુધી ૫૦૦ મણ જેટલું ઉત્પાદન મેળવેલ છે તેમજ હજુ પણ દૂધીની આવક ચાલુ છે. તેમા તેમણે બિયારણ,ખાતર,દવા અને મજુરી ખર્ચ રૂ.૧૩૦૦૦ જેટલો થયેલ છે. જેમા દૂધીનું રૂ. ૧૦ ના ભાવે ૧ કિલો લેખે વેચાણ કરતા અંદાજે રૂ. ૧ લાખની આવક થઇ છે. જે ખેતી ખર્ચ બાદ કરતા રૂ. ૮૭ હજારનો નફો મળેલ છે. તેવીજ રીતે કારેલા શાકભાજીમાં પણ રૂ. ૩૦ હજારનો નફો મળેલ છે. આમ પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક ખેડૂત જસુભાઈ રામાભાઈ પટેલ પોતાની સમૃદ્ધિનો શ્રેય સરકારની વિવિધ બાગાયતી યોજનાઓને આપે છે. સરકારની બાગાયત વિભાગની ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, અર્ધ કાચા મંડપ વગેરેને લગતી સહાયનો લાભ લેવામાં આવેલ છે.
14
5
અન્ય લેખો