લાલ બત્તી: એકની એક દવાનો વારંવાર ઉપયોગ, મોટો ખતરો!!!!!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લાલ બત્તી: એકની એક દવાનો વારંવાર ઉપયોગ, મોટો ખતરો!!!!!
• કેટલાક ખેડૂતો એકાદ દવાનો જો એક દમ સરસ પરિણામ મળી જાય તો તે દવાનો વાંરમવાર છંટકાવ કરતા હોય છે. દા. ત. એસીફેટ + મોનોક્રોટોફોસ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે કારણ કે આ દવાના છંટકાવથી કપાસનો છોડ લીલો છમ થઇ જાય, એટલે ખેડૂતોને ગમે પણ તે કેટલાય પ્રશ્નો પેદા કરે છે. જેમકે છોડનો જીવનકાળ વધવાથી ગુલાબી ઇયળનો સંક્રમણ વધે છે અને સાથે સાથે ચૂસિયાં જીવાત પણ સરવાળે વધતી હોય છે. • એકની એક દવા છાંટવાથી જો તે દવા જીવાતના પરજીવી/ પરભક્ષીને સલામત ન હોય તો ખેતરમાં આવા કુદરતી જીવોનું નિકંદન નિકળી જાય. • વારંવાર એક જ પ્રકારની દવા કેટલાક પાકોમાં રોગોને આમંત્રણ આપે છે, દા.ત. સિન્થેટીક પાયરોથ્રોઇડ્સ (જે દવાની પાછળ “થ્રીન” આવતો હોય દા.ત. સાયપરમેથ્રીન, ફેનપ્રોપેથ્રીન, પરમેથ્રીન વિગેરે)નો કપાસમાં વધુ ઉપયોગથી ઓલ્ટરનેરીયાના રોગ આવે છે. • એક જ તાંત્રિક (ટેક્નીકલ) નામવાળી દવાનો સતત છંટકાવ જે તે જીવાત જનીનીક ગુણધર્મોમાં બદલાવ થવાથી તે દવા સામે પ્રતિકારકશક્તિ પેદા થાય છે અને સમય જતા તે દવા જીવાત સામે નબળી પુરવાર થાય છે. • કેટલીકવાર એકની એક દવાનો મારો થવાથી પાકની ગૌણ જીવાતો (માઇનર પેસ્ટ)ના કુદરતી દુશ્મનનો ખાત્મો થવાથી તે જીવાત મુખ્ય જીવાતની હરોળમાં આવી જાય અને આપણા માટે માથાનો દુખાવો થઇ પડે. • આપ જે દવાનો વારંવાર ઉપયોગ કરતા હો અને તે દવા વાતારણને પ્રદુષિત કરવામાં મોટો ફાળો આપતી હોય તો તે દવા મોટું નુકસાન કરી શકે છે. • આપણે જે દવાનો ઉપયોગ વારંવાર કરો છો અને જો તે મધમાખીને સલામત નહિ હોય તો મધમાખીનો ખાત્મો બોલાવા માટે આપણે જવાબદાર બનીશું. • જે દવાનો આપ હદ કરતા વધારે ઉપયોગ કરતા હો અને તે દવા જો છાંટવાવાળાને વધારે આડઅસર કરતી હોય તો સમય જતા તે કોઇ પણ ગંભીર પ્રકારની બિમારીનો ભોગ બની શકે છે. • આપણે મનગમતી દવાનો જો આપ અતિરેક કરો અને તે દવાના અવશેષો પાક ઉત્પાદનમાં વધારે રહેતા હોય અને જો આપ છંટકાવ અને વીણી/કાપણી વચ્ચે સલામત ગાળો સાચવતા ન હો તો આપે પકવેલ શાકભાજી કે ધાન્ય આપને કે જે ખરીદીને ખાય તેમને લાંબે ગાળે દવાની અસર થવાની જ. • આવી પેદા થતી વિપરીત/ કટોકટીમાંથી બહાર નીકળવા માટે, એકની એક દવાનો ઉપયોગ ન કરવો; દરેક છંટકાવ વખતે દવાના ગ્રુપ બદલીને ખરીદવી, હંમેશા લીલા ત્રિકોણવાળી દવાની પસંદગી કરવી, એક જ ગ્રુપની એક થી વધારે દવા જાતે મિશ્ર કરીને ઉપયોગ ન કરવો. દવાના દ્રાવણમાં લીમડાનું ઉમેરવાનો આગ્રહ રાખવો, આપે પસંદ કરેલ દવા લાંબા સમય સુધી તેની અસરકારતા જળવાઇ રહે તેવી દવાને મહત્વ ન આપવું, ક્ષમ્ય માત્રાને અનુસરીને દવાનો છંટકાવ કરવો; દવાની સાથે સાથે સંકલિત કિટ નિયંત્રણ (આઇપીએમ) પધ્ધતિને વળગી રહેવું, વિણી/કાપણી અને છંટકાવ વચ્ચે ભલામણ કરેલ દિવસોનો અંતર રાખવો, વચ્ચે વચ્ચે બાયોપેસ્ટીસાઇડ/ વનસ્પતિજન્ય દવાનો ઉપયોગ કરતા રહેવું વગેરે વગેરે......
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
75
9
અન્ય લેખો