AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફુલોની ખેતી કરી દેશે માલામાલ ! ખુબ છે ડિમાન્ડમાં !
નઈ ખેતી, નયા કિસાનVTV ન્યૂઝ
ફુલોની ખેતી કરી દેશે માલામાલ ! ખુબ છે ડિમાન્ડમાં !
હાલમાં ગુજરાતમાં 70 ટકા ઓર્કિડના ફુલોની થાઈલેન્ડમાંથી આયાત કરવામાં આવે છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઓર્કિડની ખેતી માટે ગુજરાત સરકારની હોર્ટીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા 38 લાખની સબસીડી આપવામાં આવી છે. સુરતના ચીખલી અને વાસંદાના ગ્રામીણ વિસ્તારોમાં 30 એકરમાં ઓર્કિડની ખેતી કરવામાં સફળતા મળી છે. ઓર્કિડ એ ''ઓર્કિડેસી'' કુટુંબની વનસ્પતિ છે. ઓર્કિડ તેના ફૂલોના રંગ, સાઈઝ અને આકારથી દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે, વળી તેનું કાપણી પછીનું જીવન લગભગ 15 થી 30 દિવસ સુધીનું હોઈ વેચાણ કિંમત વધુ મળે છે. ઓર્કિડનો છોડ ગરમ અને ભેજવાળા જંગલોમાં તથા ઠંડા પર્વતીય વિસ્તારોમાં કુદરતી રીતે ઝાડની ડાળીઓ, પથ્થરની તીરાડો કે જમીન ઉપર ઉગેલા જોવા મળે છે. ઓર્કિડની ખેતી મુખ્યત્વે વિષુવવૃતિય દેશોમાં જોવા મળે છે. ભારતમાં ઉત્તર-પૂર્વના પહાડો પર, પશ્ચિમ ઘાટ, કેરાલા અને કાશ્મીરના થોડા વિસ્તારોમાં તેની ખેતી થાય છે. હવામાન: પ્રકાશ એ પરિપકવ છોડમાં ફૂલો લાવવામાં મદદ કરે છે. તેમજ કાર્બોહાઈડ્રેટનું ઉત્પાદન કરીને શકિત પૂરી પાડે છે. છોડની કળીના વિકાસ માટે પુરતો પ્રકાશ અને અંધકાર જરૂરી છે. ઓર્કિડના છોડને જોઈતો પ્રકાશ વિવિધ જાતો માટે જુદો જુદો હોય છે. જેમ કે ડેન્ડ્રોબિયમ અને ફેલોનોપ્સીસ જેવી જાતો માટે 2000-3000 ફુટ કેન્ડલ્સ પ્રકાશ જરૂરી છે. પ્રકાશ વિશે પૂરતુ જ્ઞાન ધરાવનાર વ્યકિત ફૂલોનું સારું ઉત્પાદન લઈ શકે છે. પ્રકાશના કિરણો એ ફૂલની દેહધાર્મિક પ્રક્રિયા પર ખૂબજ અસર કરે છે. ભુરો-કેસરી પડતો લાલ રંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને રંગ માટે જરૂરી છે. જયારે ફાર-રેડ કલર ફુલોના વિકાસ માટે ઉપયોગી બને છે. આમ પ્રકાશનું પુરતું પ્રમાણ ગ્રીનહાઉસમાં જાળવવું અગત્યનું થઈ પડે છે. તાપમાન: વિવિધ જાતના ઓર્કિડના છોડને જુદુ-જુદુ તાપમાન અનુકૂળ આવે છે. દક્ષિણ ગુજરાતમાં ઉગાડી શકાય તેવા ઓર્કિડ માટે તાપમાનની જરૂરિયાત નીચે મુજબ છે. ગુજરાતમાં ઓર્કિડની ડેન્ડ્રોબિયમ, ફેલેનોપ્સીસ, વેન્ડા, મોકારા વિગેરે મુખ્ય જાતિઓની વ્યાપારિક ધોરણે ખેતી માટેની શકયતાઓ રહેલી છે. જેમાંથી ડેન્ડ્રોબિયમ પ્રકારના ઓર્કિડને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. આ પ્રકારના ઓર્કિડને દિવસનું 21-29 ડિગ્રી. જયારે રાત્રિનું 18થી 21 સે. જેટલું તાપમાન માફક આવે છે. તાપમાન એ છોડના વાનસ્પતિક વિકાસ ઉપરાંત ફૂલોના વિકાસ માટે પણ મહત્વનું પરિબળ છે. ફૂલના સારા વિકાસ માટે દિવસનું તાપમાન થોડું નીચું હોવુ જોઈએ. ભેજ ઓર્કિડના છોડના સારા વિકાસ માટે ભેજ એ અગત્યનું પરિબળ છે. વાતાવરણમાં 70 ટકા ભેજ લગભગ દરેક ઓર્કિડની જાતો માટે પૂરતો છે. જો 70 ટકાથી ઓછો ભેજ હોય તો છોડ સારી રીતે વિકાસ પામી શકતો નથી. તે જ રીતે વધુ પડતો ભેજ ઓર્કિડના છોડમાં રોગ-જીવાતનું પ્રમાણ વધારે છે. વાતાવરણમાં 85 ટકાથી વધુ ભેજ છોડનું થડ પોચું બનાવે છે. ભેજને જાળવવા માટે ફોગર્સનો અથવા ઈવોપોરેટીવ વોટર કુલરનો ઉપયોગ થાય છે. રોપણી પહેલા જાણી લેવા જેવી વાતો ઓર્કિડને જુદા જુદા માધ્યમોમાં રોપવામાં આવે છે. સામાન્ય રીતે ઓર્કિડની રોપણી કુંડામાં અથવા હવાની અવર જવર થઈ શકે તેવા બેડ પર કરવામાં આવે છે. માધ્યમની પસંદગી છોડની ટેવ પ્રમાણે કરવી જોઈએ. માધ્યમ ભેજ જકડી રાખે તેમજ ટકી શકે તેવું હોવું જોઈએ. રોપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પાણીનો નિતાર સહેલાઈથી થવો જોઈએ. છોડને પૂરતો ટેકો આપતું હોવું જોઈએ. સહેલાઈથી કોહવાતું હોવું જોઈએ નહી. માધ્યમમાં નુકશાનકારક તત્વો હોવા જોઈએ નહી. વાતાવરણ ફૂગજન્ય રોગોથી મુકત હોવું જોઈએ. નાના કાંકરા, ગ્રાવલ, નાળિયેરના છોતરા, કોલસાના ટુકડા, નળીયાના ટુકડા, વૃક્ષની છાલ, સ્ફેગ્નમ મોસ વગેરે જેવી વસ્તુઓ હાઈડ્રોપોનીકસનો પણ માટી વિના ઉગાડાતા ઓર્કિડમાં ઉપયોગ થાય છે. રોપા જેમાં રોપો તે કુંડુ છીદ્રોવાળું અને હવાની અવરજવર થઈ શકે તેવું હોવું જોઈએ મૂળ હવાના સંપર્કમાં રહે તે અત્યંત જરૂરી છે માટે મૂળ દબાઈ ન જાય તેની કાળજી રાખવી. છોડને ટેકો આપવા માટે વચ્ચેના ભાગમાં લાકડી ગોઠવવી. ખાતર ઓર્કિડનો છોડ કુદરતી રીતે ઝાડની ડાળીઓ, પથ્થરની તીરાડો પર ઉગે છે અન મહદઅંશે એના મૂળ હવામાં લટકતા હોય છે કે ડાળીઓ પર ચોંટેલા હોય છે. વળી, ઓર્કિડનો છોડ હવામાંથી જ ભેજ શોષી લેતો હોય છે. કારણ કે તેના મૂળમાં ''વેલામેન ટીશ્યુ'' નામની ખાસ પ્રકારની પેશી હોય છે માટે ખાતર અને પોષકતત્વ પાણી સાથે મિશ્ર કરીને છંટકાવ દ્વારા આપવામાં આવે છે. ઓર્કિડના પાક માટે નીચે મુજબ ખાતર આપવું જોઈએ. રોપણી બાદ ૬ મહિના સુધી 30: 10: 10(નાઈટ્રોજન :ફોસ્ફોરસ :પોટાશ) 0.20 ટકા (2 ગ્રામ\લિટર) ની સાંદ્રતા મુજબ અઠવાડીયામાં બે વાર છંટકાવ કરવો, ત્યારબાદ 10:20: 20 (નાઈટ્રોજન :ફોસ્ફોરસ :પોટાશ) 0.20 ટકાની સાંદ્રતા મુજબ અઠવાડિયામાં બે વાર છાંટવું. ચીલેટેડ માઈક્રોન્યુટ્રીયન્ટ દર 15 દિવસે એક વાર 02 ટકા (2 ગ્રામ\ લિટર) ની સાંદ્રતા મુજબ છાંટવું. ગોકળ ગાય નામની જીવાતથી બચાવવું જરૂરી મોટા ભાગે ચોમાસામાં વધુ પ્રમાણમાં જોવા મળતી જીવાત છે. ગોકળ ગાય ઓર્કિડના પાંદડાને મુખાંગોથી કોરતા રેસાદાર બનાવે છે. ફુલોની કળીઓ પર તેમજ મુળને ખાઈ નુકસાન કરે છે. ગોકળગાયને હાથથી વણી 5 ટકાની મીઠાના દ્રાવણમાં નાંખી મારી નાંખવાથી, કુંડા કે બેડની આજુબાજુ 3 ટકાની મેટાલ્ડીહાઈડ પેલેટ ફેલાવવાથી, તમાકુનો ભુકો વેરવાથી ગોકળગાયની વસ્તી કાબુમાં રાખી શકાય છે. પાનનાં ટપકાં પડી જવાનો રોગ ઓર્કિડના પાંદડા પર ઓલ્ટરનેરીયા નામની ફુગથી આ રોગ થાય છે. જેમાં પાંદડા પર કાળા ટપકાં પડી જાય છે. તેમજ પાંદડા સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝબ 75 ટકા વે.પા. (20 ગ્રામ/10 લિટર પાણીમાં) અથવા કાર્બેન્ડીઝમ 50 ટકા (5 ગ્રામ/10 લિટર) પાણીમાં નાંખી છંટકાવ કરવો. કાપણી જયારે વ્યાવસાયિક ઉપયોગ માટે છોડ ઉગાડવામાં આવેલા હોય ત્યારે ફૂલોની કાપણી યોગ્ય સમયે કરવી જોઈએ. સામાન્ય રીતે ઓર્કિડના ફૂલની કાપણી જયારે દાંડી ઉપરના 75 ટકા ફૂલો ખીલી જાય ત્યારે કરવી જોઈએ. ફૂલોની કાપણી વહેલી સવારે અથવા મોડી સાંજે કરવી જોઈએ જેથી ફૂલનું કાપણી બાદનું આયુષ્ય વધે. ફૂલ કાપવા માટેના સાધનો રોગ જીવાત રહિત હોવા જોઈએ. ફૂલોને કાપ્યા બાદ તરત જ પાણીની ડોલમાં નીચેનો છેડો પાણીમાં ડૂબેલો રહે તે રીતે મૂકી દેવા. ગ્રેડીંગ ઓર્કિડના ફૂલો માટે કોઈ સ્ટાન્ડર્ડ ગ્રેડ નકકી કરવામાં આવ્યો નથી પરંતુ તેમની દાંડીની લંબાઈ અને તેમાં રહેલ ફૂલોની સંખ્યા પરથી તેમનો ભાવ મળે છે. મુખ્યત્વે ગ્રેડીંગ ફૂલની દાંડીની લંબાઈના આધારે કરવામાં આવે છે. પેકિંગ ફૂલને અનુકૂળ પેકીંગ કરવું જોઈએ. ફૂલનું પેકીંગ હવાની અવર જવર થઈ શકે તેવા કાણા પાડેલી પોલીથીનમાં કરવું જોઈએ. 1 બંડલમાં 10 ફૂલ હોય છે. પેકીંગ માટેનું બોક્ષ વોટર પ્રૂફ, થોડુ મજબુત અને નાના કદનું અને હવાની અવર જવર થઈ શકે તેવું હોવું જોઈએ. ઓર્કિડના ફૂલોના એક બોક્ષમાં 100 દાંડી મૂકવામાં આવે છે. ફૂલોને તાજા રાખવા માટે લેવાતા પગલાં ઓર્કિડના ફૂલોને વધુ સમય માટે તાજા રાખવા માટે ફૂલની દાંડીના નીચેના ભાગને એલ્યુમિનયમ કલોરાઈડ-500 પીપીએમની સાંદ્રતાવાળા દ્રાવણમાં રાખવામાં આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
7