ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરની કંટી અવસ્થાએ આવતી જીવાતો વિશે જાણો
મોટાભાગના રાજ્યોમાં ડાંગરનું વાવેતર થઇ ચૂક્યુ છે. કેટલાક વિસ્તારમાં ડાંગરની કંટી નીકળવાની અવસ્થાની શરુ થઇ ગઇ છે. આ સમયે જો જીવાત નિયંત્રણ માટેની કાળજી ન રાખવામાં આવે તો આર્થિક દ્રષ્ટિએ નુકસાન થઇ શકે છે. ચાલો, જાણીયે આ પાકની અવસ્થાએ કઇ કઇ જીવાતનું આક્રમણ થઇ શકે છે. • ડાંગરની ગાભમારાની ઇયળ: કંટી આવવાની અવસ્થાએ આ ઇયળથી થડના અંદરનો ભાગ ખવાતા છોડની કંટી સફેદ (વ્હાઇટ ઇયર હેડ) નીકળે છે અને દાણા ભરાતા નથી. આવી કંટીને ખેંચતા સહેલાઇથી ખેંચાઇ આવે છે. ખેડૂતો તેને “સફેદ પીંછી” ના રોગથી પણ ઓળખે છે. • પાન વાળનાર ઇયળ: આ ઈયળ પાનની બે ધારોને જોડી દઈ ગોળ ભૂંગળી બનાવી તેની અંદર ભરાઈ રહી પાનનો લીલો ભાગ ખાય છે. પાન પર પારદર્શક સફેદ ધાબા જોવા મળે છે. વધુ ઉપદ્રવે પાન સફેદ થઈ સુકાઈ જાય છે. • ડાંગરના ચૂસીયાં: ચૂસીયાં છોડના થડમાંથી રસ ચૂસે છે. છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભુખરા રંગના થઈ સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે. જેને “હોપર બર્ન” કહે છે. ખેતરમાં તેનાથી થતું નુકસાન ગોળ કુંડાળા (ટાલા) રૂપે આગળ વધે છે. ઉપદ્રવિત છોડની કંઠીમાં દાણા પોચા રહે છે. • ડાંગરનો દરજી: ઈયળ પાનની ધારોને અમુક અંતરે દરજીએ ટાકો લીધો હોય તેમ પાનને સાંધીને ભૂંગળી બનાવી અંદર રહે છે અને પાન કાપી ખાઈને નુકસાન કરે છે. • શિંગડાવાળી ઈયળ: ઈયળના માથાંના ભાગે બે શિંગડા જેવા લાલ રંગના કાંટા હોય છે. આ ઈયળ પાનની ધારેથી કાપવાનું શરૂ કરે છે અને ખાતી ખાતી મધ્ય નસ તરફ આગળ વધે છે.
• ભુરા કાંસિયા: આ જીવાતના પાન પરનો લીલો ભાગ ખાસ પધ્ધતિથી ખાતા હોય પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે. • કંટીના ચૂસીયાં: શરીરમાંથી અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ” તરીકે ઓળખાય છે. બચ્‍ચાં તથા પુખ્‍ત કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ રહે છે. • લશ્‍કરી ઈયળ: આ જીવાત “જુથી ઈયળ” કે “કંટી કાપનાર ઈયળ” તરીકે ઓળખાય છે. ઈયળ કંટીને કાપી નાંખે છે. ઉપદ્રવિત ખેતરમાં આવી કાપી નાખેલ કંટીઓ જમીન પર પડેલી જોવા મળે છે. • શીથમાઈટ(કથીરી): આ જીવાત રસ ચૂસી નુકસાન કરે છે તેમજ ફૂગના આક્રમણ માટે પણ સરળતા કરી આપતી હોઇ “શીથરોટ” નામનો રોગ આવે છે. કંટીમાં દાણા પૂરેપૂરા ભરાતાં નથી અને ભૂખરા રંગના થઈ જાય છે. • કરચલા: છોડને પાણીની સપાટીએથી કાપી નાખે છે. ઉપરાંત શેઢા-પાળામાં દર બનાવતા હોવાથી કયારીમાંથી પાણી નીકળી જાય છે. • ઉંદર: તૈયાર થયેલ કંટીને કાપી નાખી પોતાના દરમાં લઇ જઇ સંગ્રહ કરતા હોય છે. જ્યારે પણ આવી જીવાતો દેખા દે તો તેના માટે ભલામણ કરેલ નિયંત્રણના પગલાં અવશ્ય લેવા અને હાથમાં આવેલ કોળિયો જતો ન કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
378
5
અન્ય લેખો