ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોળા, મગ અને અડદના પાકમાં જોવા મળતી ટપકાંવાળી ઇયળનું વ્યવસ્થાપન
જે ખેડૂતોએ ચોળા, મગ, મઠ કે અડદનું વાવેતર કર્યુ હશે તો અત્યારે ફૂલ અવસ્થા કે શીંગો બેસવાની શરુઆત થઇ ગઇ હશે. આ સમયે ટપકાંવાળી ઇયળનું આક્રમણ થવાને લીધે શીંગોમાં દાણા ભરાતા નથી અથવા તો ઇયળ દ્વારા ખવાઇ જાય છે. પરિણામે, ઉત્પાદન પર માઠી અસર પડતી હોય છે. આ ઇયળને જોતા ઇયળ લીલાશ પડતી રંગની હોય છે અને તેના શરીર ઉપર કાળા રંગના અસંખ્ય નાના નાના વાળ જોવા મળે છે. પુખ્ત ઇયળ અર્ધપારદર્શક અને શરીર ઉપર કાળા ટપકાંની ૬ હરોળ જોવા મળે છે જેથી આ ઇયળને “ટપકાંવાળી ઇયળ” કહેવામાં આવે છે. ચોળી, મગ અને અડદનાં પાકમાં ઈયળ અવસ્થા ફૂલ, કળી તથા શીંગોને ભેગી કરી જાળુ બનાવી દે છે. આ બનાવેલ જાળામાં અંદર રહી ઇયળ દાણા ખાય છે અને દાખલ થવાના છિદ્રને હંગારથી પૂરી દે છે. સંકલિત વ્યવસ્થાપન: • બ્રેકોનીડી કૂળના બે પરજીવી કિટકો ટપકાંવાળી ઈયળનું કુદરતી રીતે પરજીવીકરણ કરી વસ્તી ઘટાડવામાં મદદરૂપ બને છે. • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧ ઈસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) અથવા બુવેરિયા બેઝિયાના નામની ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલિ અથવા ટ્રાયઝોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% (૪૪ ઇસી) ૧૦ મિલિ અથવા લ્યુફેન્યુરોન ૫ ઇસી ૧૦ મિલિ અથવા મોનોક્રોટોફોસ 3૬ એસેએલ ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • અડદ અને ચોળામાં શીંગ કોરી ખાનાર ઇયળમાટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૨ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે જીવાતની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો. • ચોળામાં ટપકાંવાળી ઇયળના અટકાવ માટે ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી ૩.૫ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૧.૬ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ૫૦% છોડ ઉપર ફૂલ આવે ત્યારે અને બીજો છંટકાવ ૭ દિવસ પછી કરવો. • મગમાં ટપકાવાળી ઇયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૨ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે જ્યારે ૫૦% છોડ ઉપર ફૂલ આવે ત્યારે છંટકાવ કરવો.
ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
194
0
અન્ય લેખો