AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગ, અડદ અને ચોળામાં આવતી જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મગ, અડદ અને ચોળામાં આવતી જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો
ઉનાળુમાં ખેડૂતો મગ, અડદ અને ચોળાની ખેતી એક રોકડિયા પાક તરીકે લેતા હોય છે કે જેમની વાવણી ૧૫મી ફેબ્રુઆરી પછી કરતા હોય છે. આ રોકડિયા કઠોળ પાકોમાં પણ જીવાત નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર પડતી હોય છે. આ લક્ષ્યને ધ્યાને રાખી આ કઠોળ પાકમાં આવતી જીવાતોને કેવી રીતે ઓળખીયે અને તેમનું અસરકારક નિયંત્રણ કરીએ તેની સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરેલ છે. મોલો-મશી: બચ્ચાં તેમજ પુખ્ત મોલો કાળાશ પડતા રંગની હોય છે. શરૂઆતમાં છોડ પર જુજ સંખ્યામાં જોવા મળે છે, પરંતુ માદા સીધે સીધી બચ્ચાંને જન્મ આપે છે, જેનાં લીધે અસંખ્ય સમૂહ બની જાય છે. મોલો છોડની કુમળી ડાળી, પાન અને શીંગો પર ચોંટેલી જોવા મળે છે. બચ્ચાં તેમજ પુખ્ત કુમળી ડૂંખોમાંથી રસ ચૂસે છે. પરિણામે પાન પીળા પડી જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો છોડની ટોચ અને શીંગો કોકડાઇ જાય છે, જેની ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. મોલો પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ બહાર કાઢે છે, જે પાંદડાની સપાટી પર ચોંટે છે અને પાન ચળકતા દેખાય છે, જેને ખેડૂતો ‘મધિયો’ આવ્યો તેમ કહે છે. આ પદાર્થ પર કાળી ફૂગ સ્થિર થઇ વૃધ્ધિ પામે છે. જેના લીધે આખા છોડ કાળા રંગના દેખાય છે. પાન કાળા થઇ જતાં પ્રકાશસંશ્વલેષણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે. સંકલિત વ્યવસ્થાપન: o ખેતરમાં મોલોના ઉપદ્રવની સાથે જ કુદરતી રીતે તેનાં પરભક્ષી કીટક ડાળીયાં પણ આવે છે. જેનાં પુખ્ત તેમજ ઈયળ (કાળા રંગની પીળા પટ્ટાવાળી) મોલોને ખાઈ જઈ વસ્તીમાં ઘટાડો કરે છે. આ સમયે દવાનો છંટકાવ ટાળવો. પરભક્ષી ક્રાયસોપાની ઇયળ પણ મોલોને ખાઇ જાય છે. o ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. o વધુ ઉપદ્રવ જણાય તો મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી આ જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય.
સફેદમાખી: પુખ્ત માખીના બચ્ચાં અને પુખ્ત બન્ને પાનમાંથી રસ ચૂસે છે. વધુ પડતો ઉપદ્રવ વખતે રસ ચૂસાતાં પાન કોકડાઇ જાય છે. મગ, મઠ અને ચોળામાં પીળો પચરંગીયો (મોઝેક)ના વિષાણુંજન્ય રોગ ફેલાવવામાં સફેદમાખી અગત્યનો ભાગ ભજવે છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો બચ્ચાં પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ કાઢે છે. જેનાં લીધે છોડ કાળી ફૂગની વૃધ્ધિ થાય છે. જે પ્રકાશસંશ્વલેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે. સંકલિત વ્યવસ્થાપન: o જીવાતના પરભક્ષી કીટક જેવા કે એન્કાર્સીયા નામની ભમરી કોશેટાનો નાશ કરે છે. o લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. o એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
171
0
અન્ય લેખો