ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઇન્ડોનેશિયાની મરચીની કાળી થ્રિપ્સનો ગુજરાતમાં પગપેસારો !
➡ આ થ્રિપ્સ થાઇલેન્ડથી ઓસ્ટ્રેલિયા અને પછી ઇન્ડોનેશિયા થઈને ભારતમાં સને 2015 માં પ્રવેશી.
➡ સને 2021 માં આ કાળી થ્રિપ્સ મરચી ઉગાડતા મોટાભાગના રાજ્યોમાં જોવા મળી.
➡ ગુજરાતમાં પ્રથમવાર આ નવી કાળી થ્રિપ્સ [Thrips parvispinus (Karny)] ની પ્રથમ નોંધ આણંદ કૃષિ યુનિ.એ ફેબ્રુઆરી, 2022 માં કરી.
➡ મધ્ય ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં આ નવી જીવાત “કાળી થ્રિપ્સ” એ પગપેસારો કર્યો છે.
➡ આ કાળી થ્રિપ્સ મરચી ઉપરાંત પપૈયા, રીંગણ, ગુલાબ, સરગવો, બટાકા, ફૂલ-છોડના વગેરેના પાકો ઉપર નભે છે.
ચાલો જોઇએ, આ નવી થ્રિપ્સ આપણી જૂની થ્રિપ્સ કરતા કઈ રીતે જૂદી પડે છે?
➡ આ જીવાતથી મરચીના ઉત્પાદનમાં 23%જેટલો ઘટાડો થતો જોવા મળ્યો છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં આનો ઉપદ્રવ 40 થી 80%સુધી જોવા મળેલ છે.
➡ આ થ્રિપ્સ મરચીના ફૂલો પર હુમલો કરી નુકસાન પહોંચાડે છે.
➡ જો આપની મરચીના ફૂલોમાં અસંખ્ય કાળા રંગની થ્રિપ્સ જોવા મળે તો આ નવી થ્રિપ્સ હોઇ શકે, ખાત્રી કરવી. ફૂલને સફેદ કાગળ ઉપર ખંખેરવાથી આપને થ્રિપ્સ હશે તો જોવા મળશે.
➡ ફૂલો અને તેની પાંદડીઓ તેમજ પરાગરજ પર ભૂરા રંગના ધાબા પડે અને છેવટે ખરી પડે છે.
ફળ બરછટ બની બેડોળ બની જાય છે.
➡ છોડની અગ્રકલિકાને નુકસાન થવાથી બહુવિધ શાખાઓ ઉદ્ભવે છે.
➡ આ પણ ક્યારેક પાન ઉપર નુકસાન કરી શકે છે અને સફેદ પટ્ટીઓ પડી પાન કોકડાય જાય છે. પરંતું પાન હોડી જેવા એકદમ થઇ જતા નથી જે આપણી જૂની થ્રિપ્સમાં જોવા મળે.
➡ મરચા બેસવામાં 2 થી 3 સપ્તાહનો વિલંબ થતો હોય છે.
➡ આ નવી કાળી થ્રિપ્સનું જીવનચક્ર નિયમિત અને આપણી જૂની અને જાણીતી થ્રિપ્સ જેવું જ છે.
➡ આ નવી જીવાત કોશેટા જમીનમાં બનાવતી હોવાથી શક્ય હોય ત્યાં સુધી કરબડી કાઢતા રહેવું.
નિયંત્રણ :
➡ ધરુને થાયોમેથોક્ષામ 25 ડબલ્યુજી 10 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે બનાવેલ દ્રાવણમાં મૂળને બે કલાક સુધી ડૂબાડી રાખી ફેરરોપણી કરવી.
➡ મલ્ચીંગમાં મરચીનું વાવેતર કરવાથી આનો ઉપદ્રવ ઓછો રહે છે.
➡ ખેતરની ચારે બાજુ ઘાટી જૂવારની વાવણી (બોર્ડર ક્રોપ) કરવી.
➡ ઉપદ્રવની શરુઆત થતી જણાય ત્યારે કોઇ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવાઓનો (10 મિલિ, એઝાડીરેક્ટીન 10000 પીપીએમ – 1% ઇસી દવા 10 લી. પાણી પ્રમાણે) છંટકાવ કરવો.
➡ ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતો લેકાનીસીલીયમ લેકાની, ફૂગ આધારિત દવા 1.15 ડબલ્યુપી 40 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરી શકે છે.
➡ ઉપદ્રવ વધતો જણાય તો સ્પીનેટોરામ 11.7 એસસી 10 મિલિ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ 10 ઓડી 3 મિલિ પ્રતિ 10 લી. પ્રમાણે છંટકાવ કરવો.
➡ દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી અને આ નવી જીવાત ફૂલોમાં વધારે જોવા મળે છે તેથી છંટકાવ વ્યવસ્થિત થાય તેની કાળજી રાખવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.