ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો, જાણિયે ગુલાબી ઇયળ (છુપો દુશ્મન)ની કેટલીક કમાલની ખાસિયતો
• આ ઇયળ દેશના કોઇ પણ ખૂણા ઉપર કપાસ હોય ત્યાં નુકસાન કરતી જોવા મળી છે, એક પણ કપાસનો વિસ્તાર બચી શક્યો નથી. • આ ઇયળ ૧૭૮ વર્ષ પહેલા એટલે કે સને ૧૮૪૨માં સૌ પ્રથમ ભારત દેશમાં નોંધવામાં આવી અને સમય જતા તે દુનિયાના કપાસ પકવતા અન્ય દેશોમાં પણ પહોંચી ગઇ. • આ ઇયળ અત્યારે આપણા દેશમાં કપાસ સિવાય કોઇ પણ ખેતી પાકને નુકસાન કરતી નથી. • ઇયળ કપાસની ગેરહાજરીમાં જંગલી ભીંડા, શેરિયા, હોલીહોક, કાંસકી જેવા કપાસ (માલવેશી) વર્ગની વનસ્પતિ ઉપર નભે છે. આવા છોડવા ખેતરની આજુબાજુ હોય તો નાશ કરવા. • ઇયળ કોસેટા અવસ્થામાં રહી સુષુપ્ત અવસ્થા પસાર કરે છે, ક્યારેક અઢી વર્ષ સુધી આ અવસ્થામાં રહી શકે છે અને કપાસ મળતા તેના ઉપર આક્રમણ કરે છે. • શિયાળામાં એટલે કે જાન્યુઆરી- ફેબ્રુઆરી દરમ્યાન ક્યારેક કમોશમી વરસાદ આવી જાય તો સુષુપ્ત અવસ્થા ઉપર વિપરીત અસર પડે છે. • સુષુપ્ત અવસ્થામાંથી નીકળતી પેઢી વખતે જો છોડ ઉપર ફૂલ-ભમરી ન હોય તો મરી જાય છે, જેને આત્મઘાતી પેઢી કહેવામાં આવે છે, લગભગ જૂલાઇના પાછલા દિવસો થી ઓગષ્ટની શરુઆતે. આથી જ વહેલી કપાસની વાવણી કરવાની સલાહ આ ઇયળને ધ્યાને રાખી આપવામાં આવતી નથી. • આ એક જ ઇયળ એવી છે કે જે શરુઆતમાં કપાસના ફૂલોની પાંખડીઓને ચોંટાડી ગુલાબ (રોઝેટ ફ્લાવર) જેવું બનાવી દે છે. આવા ફૂલોનો તોડીને નાશ કરવા. • ૧૦ થી ૧૫ દિવસના જીંડવાને આ ઇયળો વધુ પસંદ કરે છે. • કુલ્લે ૭૦થી વધુ તેના કુદરતી દુશ્મનો નોંધાયા છે, પણ એક ય સંતોષકારક પરિણામ આપતા નથી. • ફિરોમોન ટ્રેપ્સની સાથે સાથે પીબી-રોપ ટેકનીક પણ સફળ રહી છે, પણ હાલ તે માર્કેટમાં ઉપલબ્ધ નથી. • બીટી કપાસ (બીજી 2) શરુઆતમાં પ્રતિકારકશક્તિ ધરાવતો હતો, પણ સમય જતા તે પણ આ ઇયળથી ભોગ બન્યો. હાલ મોટાભાગની બીટી જાતોમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. • આ ઇયળના ફૂદાં પાનની નીચે આવેલ મધની ગ્રંથી (નેક્ટર ગ્લેન્ડ)માંથી રસ ચૂંસી એક-બે મહિના જીવી શકે છે. • આના ફૂદાં મોડી રાતથી સવારના ૩.૦૦ કલાક સુધી ઉડવામાં ખૂબ જ સક્રિય હોય છે, જેથી લાઇટ ટ્રેપ સવાર સુધી ચાલુ રાખવું. • શુ આપ જાણો છો કે એક માદા ફૂદી કેટલા ઇંડા મૂકી શકે છે? એક માદા ફૂદી ૪-૫ના જૂથમાં થઇને ૪૦૦ જેટલા ઇંડા મૂંકે છે. • આ ઇંડા એવી જગ્યાએ મૂંકાય છે કે આપ શોધો તો પણ આપને જડે નહિ!!!!!! • કોશેટા અવસ્થા જીંડવાની અંદર રહેલા બે બીને જોડી વચ્ચે બનાવે છે, છેને કમાલ!!!!! • ઈયળ જીંડવામાં દાખલ થયા પછી કાણૂં આપોઆપ પુરાઇ જાય છે, જેથી બહારથી જીંડવું સારુ લાગે પણ તેને ચીરો તો ઇયળ અને તેનું નુકસાન દેખાઇ આવે. • કેટલીક વાર નુકસાનવાળું જીંડવું સહેજ બેડોળ થઇ જાય છે. • ભલે આને ગુલાબી ઇયળ કહેવામાં આવે પણ તેની શરુઆતની અવસ્થા તો સફેદ રંગની હોય છે. પછી તે ગુલાબી રંગ ધારણ કરે છે. • છેલ્લે, અસરકાર નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી @ ૫ મિલિ અથવા પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન @ 20 મિલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
61
12
સંબંધિત લેખ