ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફળમાંથી રસ ચૂસનાર ફૂદાંનું વ્યવસ્થાપન
હાલમાં ટામેટા અને દાડમ ના ફળમાંથી રસ ચૂસનાર ફૂદાંનો ઉપદ્રવ જણાયેલ છે. ખેડૂતો તરફથી પણ આ ફૂદાંના નૂકસાન અંગેના અહેવાલ મળેલ છે. આ રસ ચૂસનાર ફૂદાં ટામેટા અને દાડમ ઉપરાંત જામફળ, મોસંબી, તડબૂચ અને શક્કરટેટી જેવા પાકમાં પણ નૂકસાન કરી શકે છે. આ ફૂદાં ક્યારેક કપાસના જીંડવામાંથી પણ રસ ચૂસીને નુકસાન કરતા જોવા મળેલ છે. માદા ફૂદીંએ મુકેલ ઇંડામાંથી નીકળતી ઇયળ ખેતરની આજુબાજુની વાડ અને જમીન પર ઉગેલ નિંદામણ, વેલા વગેરે ઉપર નભે છે. આ જીવાતની ઇયળો કોઇ પણ ખેતી પાકમાં નુકસાન કરતી નથી. જ્યારે તેની પુખ્ત અવસ્થા ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. આ જીવાતનું ફૂદું સંધ્યાકાળે (ઢળતી સાંજે) વધુ નુકસાન કરે છે. ફૂદાંને જ્યાં સુધી ફળ ઉપર યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી તેના ઉપર જુદી જુદી જગ્યાએ પોતાના મજબુત મુખાંગોની મદદથી કાણાં પાડે છે અને અંતે ફળની છાલમાં પોતાની સૂંઢ (પ્રોબોસીસ) ખોસી રસ ચૂસે છે. પરિણામે ફળની આજુબાજુનો ભાગ પોચો પડે છે. ફૂગ અને અન્ય જીવાણુંઓ આ કાણાંમાથી દાખલ થાય છે. કાણાંની આજુબાજુ નો ભાગ ભૂખરા રંગનો બને છે. ફળની અંદરના ભાગમાં સેપ્રોફાઇટ (મૃતપાય પદાર્થો પર નભતી જીવાતો)નો ઉપદ્રવ પણ શરૂ થાય છે અને અંતે ફળમાં કોહવારો લાગુ પડે છે. પાક ઉત્પાદન અને ગુણવત્તા પર પણ માઠી અસર થતી હોય છે. આ ફૂદાંથી થતુ નુકસાન ફળ ઉપર પડેલા નાના-નાના કાણાંની મદદથી સહેલાઇથી ઓળખી શકાય છે.
• ફળની વાડીમાં આ ફૂદાઓ દ્રારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. • સંધ્યાકાળથી મધ્યરાત્રી દરમ્યાન કીટક પકડવાની જાળી અને બેટરીનો ઉપયોગ કરી આવા ફૂદાં પકડી તેનો નાશ કરવામાં આવે તો ખુબ જ અસરકારક નિયંત્રણ કરી શકાય. આ કાર્ય સામુહિક ધોરણે કરવામાં આવે તો વધુ અસરકારકતા મેળવી શકાય. • આ ફૂદાંની ઇયળ શેઢા-પાળા પરના વેલા (ગળો, વેવડી વગેરે) પર નભતી હોવાથી આ યજમાન છોડનો નાશ કરવો. • આ જીવાત રાત્રી દરમ્યાન (નિશાચર) નુકસાન કરતી હોવાથી સંધ્યાકાળે ખેતરની આજુબાજુ ઘુમાડો કરવો. • શક્ય હોય ત્યાં પ્રકાશપિંજર ગોઠવવા. • આ ફૂદાંઓ ટામેટાના છોડ તરફ વધારે આકર્ષિત થઇ વધુ નુકસાન કરતા હોવાથી સતત ધ્યાન રાખવુ અને મોજણી-નિગાહ કરતા રહેવું જોઇએ. • નાના પાયે ફળ પાકોની ખેતી કરતા ખેડુતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફ્ળમાંથી રસ ચુસતાં ફુદાઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. • વિષ પ્રભોલિકાનો છંટકાવ ખૂબ જ અસરકારક માલુમ પડેલ છે. વિષ પ્રલોભિકા બનાવવા માટે બે લીટર પાણીમાં ૨૦૦ ગ્રામ ગોળ ઓગાળવો. તેમાં વિનેગાર અથવા ફળનો રસ ૧૨ મિલિ મિશ્ર કરવો અને ત્યાર બાદ તેમા મેલાથિયોન ૫૦% ઇસી ૨૦ મિલિ ઉમેરી લાકડીની મદદથી બરાબર હલાવવું. આ તૈયાર થયેલ વિષ પ્રલોભિકાનો ૫૦૦ મિલિ જથ્થો એક પ્લાસ્ટીકના ખુલ્લા પાત્રમાં લઇ ૧૦ ઝાડ દીઠ એક મુકવાથી આ નુકસાનકારક ફૂદાંની વસ્તી ઓછી કરી શકાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
104
0
સંબંધિત લેખ