ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીની થ્રીપ્સનું જીવન ચક્ર અને નિયંત્રણ
થ્રીપ્સનો ઉપદ્રવ ધરુવાડિયામાં તેમજ રોપણી કરેલ મરચીમાં કાયમ રહેતો હોય છે. બચ્ચાં અને પુખ્ત કિટક બન્ને પાન ઉપર ઘસરકા પાડી નીકળતા રસને ચૂસે છે. પરિણામે પાન હોડી આકારના થઇ જઇ આખો છોડ કોકડાઇ જાય છે. ખેડૂતો આને કોકડવાટ તરીકે ઓળખે છે. જીવનચક્ર: • માદા કિટક ૫૦-૬૦ જેટલા ઇંડા પાનની અંદર મૂકે છે, જે નરી આંખે જોઇ શકાતા નથી. ઈંડા અવસ્થા ૪-૯ દિવસની હોય છે. • ઇંડામાંથી નીકળતુ પાંખો વગરનું બચ્ચું ૪-૬ દિવસ જીવે છે. • બચ્ચાં જમીનમાં કે નીચે ખરી પડેલ પાનની નીચે કોશેટા અવસ્થા ધારણ કરે છે. આ અવસ્થા ૩-૫ દિવસની હોય છે. • પુખ્ત કિટક પીંછીયા પ્રકારની પાંખો ધરાવે છે અને ૨-૪ અઠવાડિયા સુધી જીવતુ રહે છે.
નિયંત્રણ: • ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. • બિયારણ ને ઇમિડાક્લોપ્રીડ ૭૦% ડબલ્યુએસ દવા ૭.૫ ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા. પ્રમાણે માવજત આપી ધરુવાડિયું તૈયાર કરવુ. • ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ ૧૦ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫% ડબલ્યુજી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી. • ખેતરમાં શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ નિયમિત કરતા રહેવું. • ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧% ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩% જી ૩૩ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવું. • એકલી થ્રીપ્સના નિયંત્રણ માટે સ્પીનેટોરામ ૧૧.૭% એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫% એસ.સી. ૩ મિલિ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦% ઓડી ૩ મિલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭% એસસી ૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૩ મિલિ પ્રતિ ૧૦ લીટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી છંટકાવ કરવા. • થ્રીપ્સની સાથે સાથે પાનકથીરી પણ હોય તો ફિપ્રોનીલ ૭% + હેક્ષીથાયઝોક્ષ ૨% એસસી ૨૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + ફેનપાયરોક્ષીમેટ ૨.૫% ઇસી ૨૦ મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯% એસસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઇસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% એસજી ૪ ગ્રામ પ્રતિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • જો થ્રીપ્સની સાથે મોલોનો ઉપદ્રવ જોવા મળે તો ડાયફેન્થીયુરોન ૪૭% + બાયફેન્થ્રીન ૯.૪% એસસી ૧૦ મિલિ અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૧% ઓડી ૧૦ મિલિ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ ૪ મિલિ અથવા ફીપ્રોનીલ ૫% એસસી ૨૦ મિલિ અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે દવા છાંટવી. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
103
1
સંબંધિત લેખ