AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Nov 19, 10:00 AM
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફેરોમેન ટ્રેપ: વાપરતી વખતે રાખવાની કેટલીક કાળજીઓ
ખેડૂતો જીવાતના નિયંત્રણ માટે મોટેભાગે જંતુનાશક દવા ઉપર આધાર રાખતા હોય છે. કેટલીકવાર બિનજરુરી અને આડેધડ અને વધારે માત્રામાં ઉપયોગ કરતા હોવાથી તેનાથી પર્યાવરણ અને સ્વાસ્થય ઉપર વિપરીત અસર પડતી હોય છે. કેટલાક ખેડૂતો સેન્દ્રીય ખેતી તરફ વળ્યા છે. આવી ખેતી કરવાથી વિદેશોમાં નિકાસ કરવાની ઉત્તમ તકો રહેલી છે. સેન્દ્રીય અને ચીલા-ચાલુ ખેતીમાં ફેરોમેન ટ્રેપનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. ફેરોમેન ટ્રેપ એ સંકલિત જીવાત વ્યવસ્થાપન (આઇપીએમ)માં એક કરોડરજ્જુ સમાન છે. ફેરોમેન ટ્રેપ જીવાતના નિંયત્રણ અને તેની મોજણી-નિગાહ માટે ઉપયોગી હોય છે.
ચાલો વધુ જાણીએ ફેરોમેન ટ્રેપ વિષે: 1. ફેરોમેન ટ્રેપમાં આવેલ સેપ્ટા (રબ્બરની ટોટી)માં અમૂક પ્રકારનું રસાયણ ભરેલ હોય છે જેનાથી જે તે કિટકની નર ફૂદીઓ ટ્રેપ તરફ આકર્ષાઇ અંદર કેદ થઇ જાય છે. આમ નર ફૂદીઓનું પ્રમાણ ઓછું થવાથી માદા કિટક ઇંડા તો મૂંકે છે પરંતુ તે બિનફળાઉ હોવાથી તેમાથી ઇયળ નીકળતી નથી અને આમ પાકના થતા નુકસાન બચાવી શકાય છે. 2. આવા ફેરોમેન ટ્રેપ ફળમાખી, લીલી ઇયળ, લશ્કરી ઇયળ, કાબરી ઇયળ, ગુલાબી ઇયળ, હીરાફૂદાની ઇયળ, ગાભમારાની ઇયળ, ઘોડિયા ઇયળ, પાનકોરીયું, રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ, નારિયેલનું લાલ સૂઢિયુ, સફેદઘૈણ વગેરે માટે ઉપલબ્ધ છે. 3. આ ટ્રેપ જે જીવાતના હોય તેના જ નર ફૂદાઓ આકર્ષાય છે. દા.ત. લશ્કરી ઇયળના ટ્રેપ હોય તો તેમાં તેના જ ફૂદા આવે, નહિ કે ગુલાબી ઇયળના ફૂંદા. 4. એક જ ટ્રેપ ઉપર જૂદી જૂદી જીવાતની લ્યુર (રબ્બરની ટોટી) લગાવવી નહિં. જો જરુર હોય તો અલગ ટ્રેપનો ઉપયોગ કરવો. 5. ટ્રેપની લ્યુર પાકની ઉંચાઇએથી અડધા થી એક ફૂટ ઉપર રહે તે પ્રમાણે ગોઠવવા. જેમ જેમ પાકની ઉંચાઇ વધતી જાય તેમ તેમ ટ્રેપની ઉંચાઇ પણ વધારવી. 6. બે ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું ૧૦ મીટર જેટલું અંતર અવશ્ય રાખવું. 7. પાકની વાવણી થી છેક લણણી સુધી ટ્રેપ ખેતરમાં રાખવા. 8. ટ્રેપ ગોઠવવ્યા પછી તેમની જગ્યા વારંવાર બદલવી નહિ. 9. ટ્રેપ ઉપર કોઇ પણ સંજોગોમાં દવાનો છંટકાવ કરવો નહિ. 10. ટ્રેપમાં આવેલ લ્યુર (રબ્બરની ટોટી) મહિને બદલવી. કેટલાક ફેરોમેન ટ્રેપ ની લ્યુર વધારે દિવસ સુધી ચાલતી હોય છે. 11. એક સાથે ખરીદેલ લ્યુર તેના પેકીંગમાં જ ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો. પેકેટ તોડ્યા પછી જલ્દીથી ઉપયોગ કરી લેવો. 12. સામાન્ય રીતે જીવાતની હાજરી અને મોજણી માટે ઓછામાં ઓછા પાંચ અને તેમનાં નિયંત્રણ માટે ૨૫ થી ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે જરુર પડતી હોય છે. 13. મોજણી માટે જો ટ્રેપ લગાવ્યા હોય તો ૫ કે તેથી વધારે ફૂદીઓ સતત ૫-૭ દિવસ સુધી દરરોજ પકડાતી હોય તો જે તે જીવાત માટે જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય. 14. ટ્રેપ માં પકડાયેલ ફૂદા અઠવાડિયામાં બે વાર કાઢી નાશ કરતા રહેવું. 15. ટ્રેપ ને કુતરા કે અન્ય પ્રાણી બગાડે કે નુકસાન ન કરે તેની કાળજી રાખવી. 16. એકલ-દોકલ ખેડૂત ટ્રેપ ગોઠવે તેના કરતા જે વિસ્તાર અને પાક પ્રમાણે સામૂહિક ધોરણે બધાં ખેડૂતો મૂંકે તો પરિણામ સારું અને ઝડપી મળે છે. 17. ટ્રેપ ગુણવત્તા જાળવવા માટે સારી કંપનીના જ ટ્રેપ ખરીદવા. 18. ટ્રેપ ને છોડ ઉપર જ ન લટકાવતા તેમને અલગ લાકડાનાં ડંડા કે લોખંડના સળિયા ઉપર ગોઠવવા. 19. જો લાકડાનાં ડંડા ઉપર ટ્રેપ ગોઠવવાના હોય તો લાંબે ગાળે ડંડાને ઉધઇ ન લાગે તેની કાળજી રાખવી. 20. કેટલીક કંપની ફેરોમેન ટ્રેપ “વોટર ટ્રેપ”ના સ્વરૂપે આપે છે દા.ત. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ કે જેમા પાણીનું લેવલ જાળવતા રહેવું જોઇએ. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો.
123
4