ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાક પર્યાવરણની જાળવણી માટે પર્યાવરણને અનુકુળ જીવાત નિયંત્રણ
આડેધડ અને બિનજરુરી જંતુનાશકોના છંટકાવથી જીવાતના કુદરતી દુશ્મન કિટક ઉપર અવળી અસર પડે છે. સાથે સાથે પાક ઉત્પાદનમાં દવાનો અવશેષો રહી જવા પામે છે. પર્યાવરણ ઉપર પણ માઠી અસર પડે છે. ચાલો જાણિએ કેટલા પરભક્ષી કિટકો વિષે અને તેઓ શું કામ કરે છે.
1. દાળિયા (લેડીબર્ડ બીટલ્સ): આ કિટકના પૂખ્ત (વિવિધ રંગના અને કાબરા-ચિતરા) તેમ જ ઇયળ અવસ્થા પાક ઉપર મોલોનું ભક્ષણ કરી તેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરતા હોય છે. 2. લીલી પોપટી (ક્રાયસોપર્લા): આ કિટકની ઇયળ પોચા શરીરવાળા ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, થ્રીપ્સ, તડતડિયાં વિગેરે તેમ જ પાન ખાનાર ઇયળના ઇંડા અને પ્રથમ અવસ્થાની નાની ઇયળોને ખાઇ જઇ તેમની વસ્તિમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. 3. સીરફીડ માખી: આ કિટકની ઇયળ પણ વિવિધ ચૂસિયાં પ્રકારની જીવાતોને ખાઇ જાય છે. 4. વાણિયો (ડ્રેગન ફ્લાય): સતત ઉડતા અને ચપળ પુખ્ત કિટક નાની જીવાતો, પાક ઉપર ઉડતા ફૂદા-પતંગિયાઓનું ભક્ષણ કરતા હોય છે. 5. જીઓકોરીશ: આ કિટક બધી જ ચૂસિયા પ્રકાની જીવાતો અને લીલી ઇયળના ઇંડાઓને ખાઇ જતા હોય છે. 6. રીડુવીડ બગ: આ ચૂસિયું લીલી ઇયળ તેમ જ પાન ખાનાર ઇયળમાંથી રસ ચૂંસિ મારી નાંખે છે. 7. ટાયગર બીટલ: આ કિટક પાકમાં નુકસાન કરતી ઘૈણનું ભક્ષણ કરે છે. 8. પેન્ટાટોમીડ બગ: આ ચૂસિયું નાની નાની ઇયળોમાંથી રસ ચૂસિને મારી નાંખે છે. 9. પ્રેયીંગ મેન્ટીડ: આ કિટક નાની-મોટી જીવાતોને આગલા પગ વડે પકડીને ખાઇ જાય છે. 10. કરોળિયા: બધી જ જાતની નાની જીવાતોને ખાઇ જઇ તેમની વસ્તિ મહદઅંશે ઓછી કરી નાંખે છે. 11. પરભક્ષી પક્ષીઓ: કોળિયો કોશી, બગલા વિગેરે પાક ઉપરની જીવાતો તેમ જ જમીનમાં સંતાયેલા ઇયળ-કિટકોને વીણી લઇ ખાઇ જાય છે. આવા તો બીજા ઘણાં પરભક્ષીઓ કુદરતમાં કામ કરતા હોય છે, તેમને સાચવિએ. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
323
0
સંબંધિત લેખ