AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
ભર શિયાળે વરસાદ: જીરૂ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડ્યા હતા. તો જામનગર, પડધરી, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી જોવા મળી રહી છે.
અગાઉ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોને ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળીના પાક સારી રીતે તૈયાર થશે તેવી આશા હતી. પરંતુ આજે વરસાદ પડતા તેને પણ નુકસાન થયું છે. ગીરસોમનાથ અને વેરાવળ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલામાં કમોસમી વરસાદના ઝાપટા પડતા કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. ધોરાજીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 13 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
11
0