AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
નાગડકાના વૃદ્ધ દંપતીએ 10 વીઘામાં ચંદનનું વાવેતર કરી સફળતા મેળવી
પાટડી: પાટડી તાલુકાના નાગડકાના વૃધ્ધ દંપતિએ રણની ખારી અને બંજર જમીનમાં શિતળ ચંદનના 30 છોડનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. આ વૃદ્ધ દંપતિએ ચંદનની સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ, બોર અને લીંબુ નું પણ વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે. સામાન્ય રીતે રણકાંઠાની સૂકી અને બંજર જમીનમાં મુખ્યત્વે એંરડા, કપાસ અને જીરાનું જ વાવેતર થાય છે. ત્યારે પાટડી તાલુકાના નાગડકા ગામના નિવૃત વૃદ્ધ શિક્ષક ગણેશભાઇ પટેલે પોતાની પત્નિ સાથે મળીને પોતાના 10 વીઘાના ખેતરમાં ચંદનના કુલ 112 છોડનું વાવેતર કર્યું હતુ. એમાંથી હાલ ચંદનના 30 છોડ સફળતા પૂર્વક હવા સાથે વાતો કરતા લહેરાઇ રહ્યાં છે. જ્યારે બાકીના છોડ બળી ગયા છે. આ અંગે વૃદ્ધ ખેડૂત દંપતિ જણાવે છે કે ચંદનનું વૃક્ષ ખૂબ જ શિતળ હોય છે. તેનું અંદરનું લાકડું અને તેલ ઓષધિય હોય છે. વધુમાં ચંદન સહાયક મૂળ વગર ઉછરતો નથી. આથી મેં મારા ખેતરમાં ચંદનના છોડ નજીક કપાસનું વાવેતર કર્યું હતુ. પરંતુ વરસાદના અભાવે કપાસ સુકાઇ જતા ચંદનના છોડ પણ સુકાવા લાગ્યાં હતા. હાલ ખેતરમાં ચંદનના 30 છોડ લહેરાતા ઉભા છે.સામાન્ય રીતે ચંદનનો છોડ છેક 15 થી 17 વર્ષે વૃક્ષ બને છે. અને એક ઝાડમાંથી અંદાજે રૂ. 3 લાખની આવક પ્રાપ્ત થાય છે. આ સિવાય નાગડકાના આ વૃધ્ધ ખેડૂત દંપતિએ પોતાના ખેતરમાં ખારેકના પણ 85 રોપાનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. સાથે-સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ બોર અને લીંબુ જેવી બાગાયત ખેતીનું પણ સફળતા પૂર્વક વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ નાગડકાના આ વૃધ્ધ દંપતિએ ચિંધ્યો છે. સંદર્ભ: દિવ્યભાસ્કર ન્યૂઝ, 06 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
5
0