ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આવતા વર્ષે ડાંગરની ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે તે માટે કાપણી વખતે ધ્યાન માં રાખો આ મુદ્દા !
• ખેડૂત મિત્રો, ડાંગરની કાપણી કરવાનો સમય આવી ગયો છે, કેટલાકે કાપી પણ લીધી હશે. આ સમયે કેટલાક મુદ્દાઓ ધ્યાને લઇ અપનાવવાથી બીજા વર્ષે કરાતી ડાંગરમાં જીવાત ઓછી રહે છે. • કાપણી જેમ બને તેમ જમીનની સાથે ઘસીને કાપવી. પાક પુરો થયેથી ગાભામારાની ઇયળ જડિયામાં ભરાઇ રહી સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે. કોશેટા અવસ્થા પણ ત્યાં જ ધારણ કરે છે. • કાપણી પછી તરત જ કલ્ટીવેટર મારી જડિયા વીણી લઇ તેનો કંમ્પોષ્ટ ખાતર બનાવવો. • હાર્વેસ્ટરથી કાપણી કરી હોય તો તરત જ જડિયા અને છોડનો વધેલો ભાગ કાપી દુર કરવા. • જડિયા કાઢવાનું શક્ય ન બને તો ક્યારીમાં ૪-૫ દિવસ સુધી પાણી ભરી રાખવું, સંતાયેલ ઇયળો મરી જશે. • ડાંગરનો પરાળ સગાવ્યા કરતા તેનો ઉપયોય ગળતિયું ખાતર બનાવવા માટે કે વેપારીને વેચાણ કરી દેવું. પશુઓ નિરણ માટે ઉપયોગ કરવો હોય તો ખેતરમાં ન રાખતા ઘરના વાડામાં લઇ જવું. • ડાંગરની કાપણી દરમ્યાન શેઢા-પાળા ઉપર કોઇ ક છોડવા ઉગેલા હોય તો તે પણ કાપી દૂર કરવા, આવા અડાઉ છોડમાં પણ ઇયળ સુષુપ્ત અવસ્થા ધારણ કરી શકે છે. • કાપણી દરમ્યાન જે કંટી વહેલે સુકાઇ ગઇ હોય અને દાણા બેઠેલ ન હોય અને આવી કંટી સહેલાઇથી ખેંચાઇ આવતી હોય તો તે ગાભમારા ઇયળથી નુકસાન પામેલ છે અને થડમાં ઇયળ હશે જ, આવા છોડવા-થુમડા કાપણી પહેલા ખોદીને ઇયળ સહિત નાશ કરવા. • ડાંગરના પાકમાં બીજા પાક કરતા પરભક્ષી કિટકોની માત્રા વધુ હોય છે. આવા કિટકોને જાળવવા માટે લાગ-લગાટ (એક જ બાજુએથી) કાપણી ન કરતા, પ્રથમ ૩-૪ મીટરનો પટ્ટો કાપવો અને પછી ૩-૪ મી. નો પટ્ટો છોડવો. આમ એકાંતરે પટ્ટા કાપવા અને બાકી રહેલા ક્યારી પતે પછી કાપવા. આમ કરવાથી ક્યારીમાં રહેલ પરભક્ષી જીવાતો વાડમાં કે બીજા ખેતરમાં જતી રહેશે, કેવું લાગ્યુ; કરવા જેવું છે કે કેમ? • કાપણી પછી ક્યારીમાં કે શેઢા-પાળા ઉપર કોઇ નિંદામણ દેખાતા હોય તે પણ કાઢી નાખવા, ડાંગરની ગેરહાજરીમાં ઇયળો આમાં પણ રહી રહી જીવી શકે છે. • કાપણી પછી પણ એકાદ પ્રકાશ પિંજર ખેતરમાં ગોઠવી એકાદ- બે મહિના સુધી ચાલુ રાખવું. • શક્ય બને તો ક્યારીમાં આ ઇયળની ફૂંદીઓને આકર્ષવા અને પકડવા માટેના ૨-૩ ફિરોમોન ટ્રેપ્સ એકાદ-બે મહિના માટે ગોઠવી રાખવા. • શક્ય હોય તો પાક બદલવો. • કાપણી અને ખેડ કર્યા પછી પણ પક્ષીઓને બેસવા માટેના ૧૦-૧૨ બેલી-ખેડા ગોઠવી રાખવા. પક્ષીઓ બેસવા માટે આવશે અને ઇયળ દેખાશે તો વીણી ખાશે. • આપ આટલું કરશો તો ફરી બીજી સીઝનમાં લેવાતા આ પાકમાં આ ઇયળનો ઉપદ્રવ ચોક્કસ ઘટશે. છેવટે નહિ નહિ તો એકાદ દવાનો છંટકાવ ઘટે તો પણ ફાયદો તો છે જ અને પર્યાવરણ બચાવવામાં આપ ફાળો આપી શકો છો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
26
9
સંબંધિત લેખ