કૃષિ વાર્તાન્યૂઝ 18 ગુજરાતી
શ્રી ગણેશ ! રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી ની ખરીદીની પ્રક્રિયા થશે શરૂ !
આજ થી એટલે કે 21મી ઓક્ટોબરથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ટેકા (MSP)ના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજકોટ જિલ્લા ના ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 11 તાલુકાનો સમાવેશ થાય છે. કુલ 22 જેટલા કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા ખરીદી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવામાં આવશે. સાથે જ વર્ગ-૩ના કર્મચારી તેમજ નિગમના કર્મચારી પણ ખરીદી પ્રક્રિયામાં જોડાશે. મગફળી ખરીદ કર્યા બાદ જિલ્લાના 150 જેટલા ગોડાઉનમાં રાખવામાં આવશે. પારદર્શિતાના ભાગરૂપે પહેલેથી જ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂર પડે તો વધારે ગોડાઉન ભાડે રાખવામાં આવશે. આવતીકાલથી જ્યારે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે ત્યારે ખેડૂતોને ક્રમશઃ એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવશે. તેમજ શરૂઆતના દિવસોમાં અંદાજિત 60 જેટલા ખેડૂતોને પ્રત્યેક સેન્ટર દીઠ બોલાવવામાં આવશે. ત્યાર બાદ પ્રતિદિન 100 ખેડૂતો બોલાવવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં 25 કિલોની ભરતી ભરવામાં આવશે. જે બાબતની જાહેરાત ખુદ રાજ્યના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી છે. જોકે, મગફળીમાં ભેજ તેમજ ઉતારાને લઈને કોઈપણ નિયમોમાં ફેરફાર કરવામાં નથી આવ્યા. બીજી તરફ ખુદ ખેડૂતો પણ કહી રહ્યા છે કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ છે. આથી સરકાર અન્ય નિયમોમાં ફેરફાર કરે તો ખેડૂતોને ફાયદો પહોંચી શકે તેમ છે.
સંદર્ભ : ન્યૂઝ 18 ગુજરાતી, આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
13
5
સંબંધિત લેખ