Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Oct 19, 12:00 PM
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ખેડૂતો માટે રાહતનાં સમાચાર, લીલા દુષ્કાળથી નુકસાનની ભીતિને પગલે સરકારે કરી આ મોટી જાહેરાત
ગુજરાતમાં આસોમાં મેઘરાજા આફત વરસાવી રહ્યા છે. હવે મેઘમહેર રાજ્યમાં મેઘકહેર બની ચૂક્યો છે. ભરપૂર ભાદરવા બાદ આસોમાં પણ વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં હવે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. લીલા દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિને પગલે જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવશે. ત્યારે આ વચ્ચે ગુજરાત સરકારે કહ્યું છે કે, ખેતીપાકના નુકસાનીની સહાય ચૂકવાશે. ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે મગફળી, કપાસ સહિતનાં પાકોને નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે.
અને હવે જગતનો તાત મેઘરાજાને ખમૈયા કરવા માટે પ્રાથના કરી રહ્યો છે. ગુજરાતમાં લગભગ 128 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો ભારે વરસાદને કારણે પાકને નુકસાન જતાં ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે. તો આ મામલે કૃષિમંત્રી આરસી ફળદૂએ ખેડૂતોને રાહત આપતાં સમાચાર આપ્યા છે. વરસાદના કારણે નુકસાની અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. રાજ્ય સરકાર ખેતીપાકના નુકસાન અંગે સર્વે કરશે. ચાર કંપનીઓને સર્વેની કામગીરી કરવા સરકારે આદેશ કર્યો છે. જે ખેડૂતોએ પાક વીમાના પ્રીમિયમ ભર્યા હશે તેઓને નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 30 સપ્ટેમ્બર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0